U-Win અને E-Nirman કાર્ડ યોજના શું છે?
*બાંધકામ શ્રમિકો માટે રાજય સરકારની વિવિધ સહાયક યોજનાઓનો લાભ મેળવવા
“સ્માર્ટકાર્ડ” આવશ્યક*
***********
સ્માર્ટકાર્ડ મેળવવા ઇ-નિમાર્ણ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ
***********
રાજકોટ, તા. ૬, જુલાઈ : રાજયભરમાં બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિક વર્ગના લોકોનો ઉત્કર્ષ માટે રાજય સરકાર દ્વારા ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ, ૧૯૯૬ની કલમ ૧૮ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા અનેક યોજનાઓ બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને આર્થીક ઉત્થાન માટે શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના જેવી વિવિધ યોજનાઓ અમલી બનાવાયેલ છે. આ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકેની નોંધણી કરાવવી જરૂરી છે.
બાંધકામ શ્રમિક સરળતાથી નોંધણી કરાવી શકે તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગત તા. ૮ મી જુનના રોજ ઇ-નિર્માણ પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. જીલ્લાના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે.
૧૮ થી ૬૦ વર્ષની વય માર્યાદા ધરાવતા અને છેલ્લા ૧૨ મહિનામાં ૯૦ દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોય તેવા પાત્રતા ધરાવતા બાંધકામ શ્રમિકો કામગીરીના પુરાવા સાથે આધાર કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશન કાર્ડ અને બેંકની વિગતો, ઓળખના સરકારી દસ્તાવેજો સાથે બાંધકામ શ્રમિક તરીકેની નોંધણી બોર્ડમાં ઇ-નિર્માણ પોર્ટલ પર ઓનલાઇન કરાવી શકે છે. આ માટે જિલ્લામાં કાર્યરત એવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકાશે.
વધુમાં જે બાંધકામ શ્રમિક તરીકે પહેલાથી બોર્ડમાં નોધાયેલ છે તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોની વિગતો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી તથા મોબાઈલ નંબર અધુરી તથા ખુટતી હોવાથી જે-તે જિલ્લાના નજીકના CSC સેન્ટર પર જઈ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે જઈ તમામ સાધનિક ડોક્યુમેન્ટ સાથે રાખી મોબાઈલ નંબર વેરીફાઈ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ટકાર્ડ મેળવી લેવા બાંધકામ શ્રમિકોને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની કચેરી, રાજકોટના જિલ્લા નિરીક્ષકશ્રી એમ.ડી.કકકડની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા બાંધકામ ક્ષેત્રે અસંગઠીત શ્રમિકોના બાળકોને શૈક્ષણિક સહાય માટેની કાર્યવાહીનો પ્રારંભ : ધો. ૧ થી ડોકટર સુધીના ઉચ્ચ અભ્યાસ માટે રૂા. ૫૦૦ થી ૨૫ હજાર સુધીની સહાય મળશે
*******
રાજયના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા મજુરોને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા જરુરી ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ હવેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા થઇ શકશે. આ માટે બાંધકામ ક્ષેત્રે કડીયાકામ, પ્લમ્બીંગકામ, સુથારીકામ, કલરકામ જેવા વિવિધ કામોમાં છુટક મજુરી કરતા તમામ જ્ઞાતિ –જાતિના શ્રમિકો પોતાના સ્માર્ટફોન દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઇ ત્યાંથી સાધનિક કાગળો જેવા કે પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ, અરજદાર શ્રમિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, રેશનકાર્ડ, બેંક પાસબુક/ કેન્સલ ચેકની નકલ ચુંટણીકાર્ડ, બાંધકામ શ્રમિક ક્ષેત્રે ૯૦ દિવસથી વધુ સમય સુધી કામ કરેલ હોય તેના પુરાવા, સ્વયં પ્રમાણપત્ર, વ્યવસાયનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર વગેરે જોડવાના રહેશે. આ તમામ પુરાવા રજૂ કર્યેથી નોંધણી કરાવનાર શ્રમિકને ટુંક સમયમાં જ ઇ-નિર્માણ અને યુ-વિન કાર્ડ વિનામૂલ્યે મળી રહેશે.
હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ હોઇ આ શ્રમિકોના બાળકોને ધો.૧ થી લઇને ડોકટર અને એન્જીનીયર સુધીના ઉચ્ચાભ્યાસ અર્થે રૂા. ૫૦૦ થી ૨૫,૦૦૦ સુધીની શિક્ષણ સહાય અને રૂા. ૫૦૦૦ હોસ્ટલ ફી તથા રૂા. ૫૦૦૦ પુસ્તકોની સહાય પણ મળવા પાત્ર થાય છે. જે માટેના ફાર્મ આ જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડની કચેરી ખાતે ભરવાના શરૂ થઇ ગયેલ છે. આથી તમામ પાત્રતા ધરાવતા શ્રમિકોએ આ યોજનાનો લાભ લેવા જણાવાયું છે. આ માટે સત્ર શરૂ થયાના ૯૦ દિવસમાં અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત યુ-વીન કાર્ડ અંતર્ગત અકસ્માત જુથ વીમા યોજના, આરોગ્ય લક્ષી મા-અમૃતમ અને પીએમ-જેએવાય યોજના, શ્રમિક અન્નપુર્ણા યેાજના તથા સરકારીના વિવિધ વિભાગોના અમલી યોજનાઓના લાભો મળી શકે છે. જયારે ઇ-નિર્માણ કાર્ડ અંતર્ગત શ્રમિક અન્નપુર્ણા યેાજના, પ્રસૂતિ સહાય, શિક્ષણ સહાય, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, બાંધકામ શ્રમિકો માટે મેડીકલ હેલ્થ યુનીટ (ધન્વંતરી રથ) નો લાભ, વ્યાવસાયીક રોગોમાં સહાય, આકસ્મિક મૃત્યુ સહાય, અંત્યેષ્ઠિ સહાય, શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના તળે આવાસ માટેની સહાય, સ્થળાંતરીત શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલ સુવિધા, શ્રમિક પરીવહન યોજના, હાઉસીંગ સહાય યોજના, વૃધ્ધાવસ્થા પેન્શન યોજના, બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર યોજના તથા કોરોના મહામારી સંદર્ભે કોરોના કવચ યોજનાનો લાભ મળી શકે છે.
Comments
Post a Comment
if you have any questions, let me know